ગીર સોમનાથ જિલ્લામાં આવેલું અતિ પ્રચલિત અને પૌરાણિક 'પ્રાચી તીર્થ' પિતૃઓનાં મોક્ષ માટેનું પરમ પવિત્ર ધામ મનાય છે. હિન્દુ ધર્મમાં કહેવત છે કે 'સો વાર કાશી અને એક વાર પ્રાચી', જે આ તીર્થની મહાનતા દર્શાવે છે. પૌરાણિક કથા મુજબ, જ્યારે યાદવકુળનો નાશ થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં પ્રાચી તીર્થ ખાતે પધારીને પોતાના હસ્તે પીપળાનું વૃક્ષ વાવ્યું હતું. તેમણે આ વૃક્ષને જળ અર્પણ કરીને સમગ્ર યાદવકુળનો મોક્ષ કરાવ્યો હતો. આ ઐતિહાસિક ઘટનાને કારણે જ આ પીપળો 'મોક્ષ પીપળા' તરીકે ઓળખાય છે. એવી દ્રઢ માન્યતા છે કે પિતૃ માસ દરમિયાન આ પવિત્ર પીપળે પાણી રેડવાથી પિતૃઓને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે. વિશેષ કરીને ચૈત્ર, કારતક અને ભાદરવા જેવા પિતૃ માસ દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓના મોક્ષાર્થે પૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડે છે. સોમનાથથી 22 કિલોમીટર દૂર વેરાવળ-કોડીનાર હાઈવે પર આવેલું આ તીર્થસ્થળ ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર છે અને ત્યાં પહોંચવા માટે એસ.ટી. બસ, રિક્ષા કે ખાનગી વાહનો મળી રહે છે. અહીંની સૌથી મોટી વિશેષતા પવિત્ર પૂર્વવાહિની સરસ્વતી નદી છે. આ નદી આશરે 200 મીટર જેટલી સૂર્ય નારાયણની સામે (પૂર્વ તરફ્) વહે છે, જે એક અદભુત ભૌગોલિક અને આધ્યાત્મિક ઘટના છે. યાત્રિકો સૌપ્રથમ પવિત્ર સરસ્વતી કુંડમાં સ્નાન કરે છે અને ત્યારબાદ મોક્ષ પીપળે જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત, પ્રાચી તીર્થમાં અતિ પૌરાણિક શિવ મંદિરો આવેલા છે, જેમાં પૃથ્વેશ્વર, અર્જુનેશ્વર, સિદ્ધેશ્વર, વિઠલેશ્વર, ગોવિંદેશ્વર અને દેવદેવેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. આ મંદિરોનું સંચાલન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સરસ્વતી નદીના કિનારે માધવરાયજી અને લક્ષ્મીજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જે ચોમાસામાં નદીના જળસ્તર વધતા સંપૂર્ણ જળમગ્ન થઈ જાય છે. હાલ મહંત ઋષિબાપુ આ મંદિરનું સંચાલન કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો