જિલ્લામાં વારસાઈ જમીન મુદ્દે બે પરિવારો વચ્ચે સર્જાયેલી લોહીયાળ અથડામણ હવે હત્યાના કેસમાં ફેરવાઈ છે. આ હિંસક હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા 75 વર્ષીય વૃદ્ધા હુસેનાબેન અબ્દુલ ભાઈ બાજરાણીનું ગત મોડી રાત્રે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
વારસાઈ જમીન મુદ્દે લોહીયાળ અથડામણ
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના એક ગામમાં વારસાઈ જમીનને લઈ છેલ્લા કેટલાક સમયથી બે પરિવારો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. આ વિવાદે ગત દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હુમલાખોરોએ અંધાધૂંધ હિંસા આચરીને સામેના પક્ષના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકી આગ લગાવી દીધી હતી. આટલું જ નહીં, વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવવા માટે 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
આ આગજનીની ઘટનામાં હુસેનાબેન બાજરાણી ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી ગત મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર
ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘાતક હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને આતંક મચાવનારા શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ, ઉત્તર પૂર્વના ગરમ પવન ફૂંકાતા ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ