બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલ ગુજરાતના પ્રવાસે છે, જે દરમિયાન તેમણે આજે પવિત્ર યાત્રાધામ સોમનાથની મુલાકાત લીધી હતી. કંગના રનૌતે અહીં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.


 ધ્વજાપૂજા અને જળાભિષેક

સોમનાથ મહાદેવના મંદિરે પહોંચીને કંગના રનૌતે શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો અને ભોલેનાથને શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે સોમનાથ મંદિરની પરંપરાગત ધ્વજાપૂજા પણ કરી હતી અને મંદિર પર થતું ધ્વજારોહણ નિહાળીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કંગના રનૌતે ગીર વિસ્તારના પ્રાકૃતિક વાતાવરણનો લુફ્ત ઉઠાવ્યા બાદ દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 ટ્રસ્ટ દ્વારા ભેટ અર્પણ

આ મુલાકાત દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કંગના રનૌતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા તેમને માતા પાર્વતીની પ્રસાદીરૂપ સાડી ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કંગના રનૌતની આ ધાર્મિક મુલાકાતને પગલે સોમનાથમાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • Follow us on: