કોડીનાર તાલુકાના મઠ ગામમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના વસવાટને કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે થી ત્રણ સિંહો ગામની સીમ અને રહેણાંક વિસ્તારની નજીક ભૂંડનો શિકાર કરવા માટે પ્રયાસ કરતા નજરે પડે છે. ગીરની સરહદે આવેલા આ ગામમાં વનરાજોના સતત વિચરણને કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સિંહો જે રીતે શિકારની પાછળ દોડ લગાવી રહ્યા છે તે દ્રશ્યોએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો છે.
કોડીનાર પંથકમાં વનરાજોની દહેશત
ઉલ્લેખનીય છે કે, મઠ ગામમાં સિંહોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. માત્ર બે દિવસ પહેલા જ ચાર સિંહોના ટોળાએ ગામમાં ગૌવંશનો શિકાર કર્યો હતો, જેનાથી પશુપાલકોમાં રોષ અને ભયની લાગણી છે. હવે ફરી એકવાર સિંહોના આંટાફેરા વધતા ગ્રામજનો પોતાની અને પોતાના પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી છે અને સિંહોને માનવ વસવાટથી દૂર ખસેડવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
