ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં સિંહોની અવરજવર વધી રહી છે. ગત તારીખ 14 માર્ચના રોજ વહેલી સવારે લગભગ 4:00 વાગ્યાના સુમારે એક સિંહ ગામની ગલીઓમાં લટાર મારતો જોવા મળ્યો હતો, જે ઘરની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.

ગામમાં સિંહોની અવરજવર વધી 

વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, સિંહ કોઈ પણ પ્રકારના ડર વગર ગામની સાંકડી ગલીઓમાં શાંતિથી ફરી રહ્યો છે. વહેલી સવારના સમયે જ્યારે સમગ્ર ગામ ગાઢ નિદ્રામાં હતું, ત્યારે જંગલનો રાજા ગામમાં આવી ચઢતા લોકોની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે. સિંહની આ લટારના દ્રશ્યો જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે.

ગ્રામજનોમાં ભયનો માહોલ

કદવાર ગામમાં સિંહની અવરજવરથી પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સિંહના આગમનને કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ લોકો માટે જોખમી બની ગયું છે. લોકોનું કહેવું છે કે, જો રાત્રિ દરમિયાન કોઈનું સિંહ સાથે આમને-સામને થઈ જાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: Morbi: સબ-જેલમાં પ્રતિબંધિત સામગ્રીનો રાફડો ફાટતા જેલ આઈજી પહોંચ્યા, SP અને DYSP સાથે બેઠક કરી