ગીર જંગલ વિસ્તારમાં તાજેતરમાં એશિયાટિક સિંહોના થયેલા મોત બાદ ઉભા થયેલા સવાલો હજુ સુધી યથાવત રહ્યા છે. સત્તાવાર રીતે આઠ સિંહોના મોત નોંધાયા હતા, જ્યારે ઘટનાક્રમ પાછળ કોઈ શંકાસ્પદ વાયરસ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આશરે 30 જેટલા સિંહોને ક્વોરેન્ટાઇન કર્યા હતા અને મૃત્યુ પામેલા સિંહોના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે પંદર દિવસથી વધુ સમય વીતી જવા છતાં લેબોરેટરીના સત્તાવાર અહેવાલ અંગે હજુ સુધી કોઈ જાહેર માહિતી આપવામાં આવી નથી.
ઘટના સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા સેમ્પલના પરીક્ષણનો રિપોર્ટ સાત દિવસમાં મળી જશે અને ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. પરિણામે સિંહોના મોતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. બીજી તરફ્ રાજ્યના વનમંત્રી દ્વારા ગાંધીનગરમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે સિંહોના મૃત્યુ પાછળ ગરમી મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે જો લેબોરેટરીમાં સેમ્પલની વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવી હોય તો તેનો સત્તાવાર અહેવાલ જાહેર કેમ કરવામાં આવતો નથી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વન્યજીવપ્રેમીઓ, સ્થાનિક લોકો તેમજ પર્યાવરણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગોનું માનવું છે કે ગીરના સિંહો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અમૂલ્ય ધરોહર છે. આવા સંજોગોમાં સિંહોના મોત અંગેની તપાસ અને તેના પરિણામો સંપૂર્ણ પારદર્શક રીતે જાહેર થવા જોઈએ.










