ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીનો પાક હવે તેના અંતિમ તબક્કામાં છે અને બગીચાઓમાં કેરી ઉતારવાની કામગીરી લગભગ પૂરી થવા આવી છે. હાલમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને પગલે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પણ પડયા છે. નિષ્ણાતોના મતે, હાલમાં જે છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે તેનાથી કેરીના પાકને કોઈ મોટું નુકસાન નથી. જો વધારે વરસાદ પડે અને સાથે ભારે પવન કે વાવાઝોડા જેવી સ્થિતિ સરજાય તો જ પાકને નુકસાન થઈ શકે છે. બાકી હાલની સ્થિતિમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
આગામી દિવસોમાં પણ વાતાવરણ પલટાયેલું રહેવાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે. કેસર કેરી જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ હોય ત્યારે જો ભારે પવન સાથે વરસાદ તૂટી પડે, તો ઝાડ પરથી મોટી માત્રામાં કેરીઓ ખરી પડે છે. નીચે પડવાથી કેરી પછડાય છે અને ડાઘ પડી જાય છે, પરિણામે બજારમાં તેનો યોગ્ય ભાવ મળતો નથી. ઉપરાંત, વાતાવરણમાં ભેજ વધવાથી ઉતારેલી કેરીમાં ફુગ અને સડો લાગવાની શક્યતાઓ પણ વધી જાય છે.










