ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે તાજેતરમાં એક અસામાન્ય અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં સિંહોનો એક મોટો પરિવાર ગામના મુખ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.
સુગાળા ગામમાં સિંહ પિરવાર ઘૂસ્યો
મળતી માહિતી મુજબ, એક સાથે 6 જેટલા સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું. આ સિંહ પરિવાર ગીરના જંગલની નજીકના આ વિસ્તારમાં અવારનવાર દેખા દેતો હોય છે, પરંતુ આ વખતે તેઓ ગામના રહેણાંક વિસ્તારમાં અને ખાસ કરીને મુખ્ય નવદુર્ગા ચોક સુધી પહોંચ્યા હતા. આટલા મોટા સિંહોના ટોળાને ગામના મધ્યમાં જોઈને લોકોમાં ભારે ડર ફેલાયો હતો. સિંહ ટોળાના આ આંટાફેરા ગામના ચોકમાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા. આ દ્રશ્યોમાં સિંહ પરિવાર આરામથી ગામની શેરીઓમાં ફરતો અને ચોકમાં થોભતો જોવા મળે છે. સિંહોનું આ વર્તન જોઈને ગામ લોકોમાં ફાફડાટની લાગણી વ્યાપી ગઈ છે અને તેમણે સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે.
સિંહ ટોળાના આ આંટાફેરા CCTV કેદ
સુગાળા ગામ એ ગીરના જંગલની નજીક આવેલું હોવાથી અહીં અવારનવાર સિંહો આવી ચઢતા હોય છે. જોકે, એકી સાથે 6 સિંહોના પરિવારનું આ રીતે ગામના મુખ્ય ચોક સુધી પહોંચવું એ એક ગંભીર બાબત છે. સ્થાનિક લોકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી છે અને સિંહો ગામમાં ન પ્રવેશે તે માટે યોગ્ય પગલાં લેવાની માગ કરી છે. સિંહ પરિવારના સલામત વળતર અને ગ્રામજનોની સુરક્ષા માટે વન વિભાગ સતર્ક બની ગયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીના ચમકારાથી આંશિક રાહત, નલિયામાં સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું









