ઉના તાલુકાના દેલાવડા ગામે નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ શરાફી સહકારી મંડળીના ચેરમેન અને મેનેજર સામે ઉના પોલીસ સ્ટેશનમા 22થી વધુ ખાતા ધારકોના કુલ રૂ. 1કરોડ 50 લાખ 63 હજાર 404 ની ઉચાપાત અને વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉના તાલુકાના દેલવાડા ગામે નર્મદા કોમ્પ્લેક્સમાં શ્રી નિધિ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી લી. નામની ઓફ્સિ ખોલી ચેરમેન મનીષાબેન ચંદ્રકાન્ત પંડયા (રહે. દેલવાડા) અને મેનેજર દિનેશભાઈ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ (રહે. ઉના) દ્વારા રોકાણકારોને માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકા જેટલું ઉંચુ વ્યાજ ચૂકવવાની લાલચ આપવામાં આવતી હતી. આ આકર્ષક સ્કીમો હેઠળ દૈનિક બચતના નામે સેંકડો સામાન્ય નાગરિકો પાસેથી રકમ જમા કરાવવામાં આવતી હતી.ગત તા. 25/10/2026 અગાઉ બંને સંચાલકો અચાનક ઓફ્સિને તાળાં મારી ભૂગર્ભમાં ઉતરી જતાં ખાતેદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અંગે ઉના પોલીસમાં ઉનાના અનિરૂધ્ધભાઈ મકવાણા સહિત ચાર ખાતાધારોએ પોલીસમા લેખિત અરજી આપી હતી. આ અંગેના અહેવાલ પ્રસિધ્ધ થતા લોકોમા ગભરાટ ફેલાઈ ગયો હતો. શહેર-તાલુકાના અનેક લોકોના કરોડો રૂપિયા ફસાઈ ગયા હોય ભોગ બનનારાઓએ નગરસેવિકા રાજલબેન અલ્પેશભાઈ બાંભણીયા (બારોટ) તથા કોળી યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ બામભણીયા સમક્ષ વેદના ઠાલવી હતી. ગઈકાલે અગ્રણીઓની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉના પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ મામલે ઉના પીઆઈ કે. આઈ. જાડેજાએ ગુનો દાખલ કરી કાયદેસર પગલાં લીધાં છે. પોલીસે આરોપીઓ સામે BNS કલમ 316(2), 313(5), 318(4), 61(1), 54 તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ્ ઈન્ટરેસ્ટ ઓફ્ ડિપોઝિટર્સ એક્ટની કલમ 3 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અન્ય રોકાણકારોને પણ પુરાવા સાથે આગળ આવવા અપીલ કરી છે, જ્યારે આરોપીઓ દેશ છોડી નાસી જાય તે પૂર્વે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી સત્વરે દબોચી લેવા પ્રબળ લોકલાગણી પ્રવર્તી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો