ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામને અગાઉ ફાળવવામાં આવેલી માધ્યમિક શાળાની મંજૂરી રદ કરીને નગડલા ગામે શાળા ફાળવવાના નિર્ણયને પગલે છારા ગામના ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણય સામે ગ્રામજનોએ એકત્ર થઈ કોડીનાર મામલતદાર કચેરી ખાતે શિક્ષણમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી છારા ગામની શાળાની મંજૂરી પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, છારા ગામને તા. 01/04/2026ના રોજ માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તા. 14/10/2026ના રોજ આ મંજૂરી રદ કરી શાળા નગડલા ગામે ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયથી છારા ગામના વાલીઓ અને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે છારા ગામમાં પછાત વર્ગના લોકોની મોટી વસ્તી વસવાટ કરે છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બાળકોને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે અન્ય ગામે જવું પડે તેવી સ્થિતિ ઊભી થશે. જેના કારણે ખાસ કરીને આર્થિક અને સામાજિક રીતે નબળા પરિવારોનાં બાળકોના શિક્ષણ પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.ગ્રામજનોએ શાળાની મંજૂરી રદ કરવા પાછળનાં કારણોની નિષ્પક્ષ તપાસ કરાવવા, આ નિર્ણયમાં સંકળાયેલા અધિકારીઓના અભિપ્રાયો તથા સંબંધિત સરકારી દસ્તાવેજોની પ્રમાણિત નકલો આપવા અને અગાઉ આપવામાં આવેલી છારા ગામની માધ્યમિક શાળાની મંજૂરી પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે.ગ્રામજનોએ સ્પષ્ટતા કરી છે કે તેમને નગડલા ગામ સામે કોઈવિરોધ નથી અને ત્યાંના બાળકોને પણ શિક્ષણની સુવિધા મળવી જોઈએ. પરંતુ છારા ગામને અગાઉ મંજૂરી આપ્યા બાદ કયા કારણોસર તે રદ કરવામાં આવી તે અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.
