ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના લોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 77 વર્ષના પરંપરાગત શિખરનો લોગો હવે ઇતિહાસ બનશે. ટ્રસ્ટની સ્થાપનાથી લઈને આજ સુધી જે શિખર વાળો લોગો પ્રચલિત હતો તે હવે પરંપરાના પાનાંમાં જ રહેશે. નવા લોગોમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર તરીકે ભગવાન શિવના ત્રિશૂળને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે, જે ધર્મ અને આસ્થા બંનેનો પ્રતિક માનવામાં આવે છે.

શિખર વાળો જૂનો લોગો હવે ઇતિહાસ બનશે

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નવા લોગોનો સત્તાવાર અમલ 1 એપ્રિલ 2026થી થશે એવી વિગતો જાણવા મળી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની સોશિયલ મીડિયા જાહેરાત અને વિવિધ પ્રચાર સાધનો પર નવા લોગોનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા હજુ સત્તાવાર સમર્થન અપાયું નથી. રામનવમી ઉત્સવના બોર્ડ પર પણ નવો લોગો દેખાયો હતો, જે આ બદલાવની શરૂઆતનો સંકેત છે.

77 વર્ષ બાદ ટ્રસ્ટની ઓળખમાં ઐતિહાસિક ફેરફાર

ટ્રસ્ટના નજીકના સુત્રોનું માનવું છે કે નવા લોગો દ્વારા મંદિરની ઓળખમાં આધુનિકતા સાથે પરંપરા જળવાઈ રહેશે. ત્રિશૂળ ધાર્મિક શક્તિ અને ભક્તિનું પ્રતિક છે, અને તેના સમાવિષ્ટ લોગો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભગવાન શિવની ઉપસ્થિતિનો વધુ સ્પષ્ટ સંદેશ આપવામાં આવશે. 77 વર્ષ બાદ આ લોગોમાં ફેરફાર ટ્રસ્ટ માટે ઐતિહાસિક પ્રસંગ છે અને ભક્તિ અને આધુનિકતા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ છે.


આ પણ વાંચોઃ Agriculture News: રાજ્ય સરકાર બાજરી અને જુવાર સહિત મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે