ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશની ઘટનાઓ વધી રહી છે. નાવદ્રા–ઇન્દ્રોય ગામની સીમમાં આવેલા દાનાભાઈ વાઢેરની વાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડાએ ધામા નાખ્યા હતા. દીપડાની હાજરીને કારણે ખેડૂતો ખેતરે જતા પણ ડરતા હતા અને વિસ્તારમાં ભારે ભયનો માહોલ જોવા મળતો હતો.
વન વિભાગનું સફળ ઓપરેશન
સ્થાનિકોની વારંવારની રજૂઆતને પગલે વન વિભાગે ગઈકાલે દાનાભાઈની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાંજરે પુરાયેલ દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને પ્રાથમિક તપાસ બાદ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે.










