પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ્ પંચમહાલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં નિઃશુલ્ક ગરબા રમી શકે તે હેતુથી આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ખેલૈયાઓની સુરક્ષા અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપીને સમગ્ર ગ્રાઉન્ડમાં 35 CCTV ગોઠવ્યા છે. ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે જણાવ્યું હતું કે, ગરબા મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 2 PI, 3 PSI, આશરે 50 પોલીસ કર્મી, જીઆરડી જવાનો તેમજ શી-ટીમને તૈનાત રખાશે. શી-ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ સહિત વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની ખાસ વ્યવસ્થા કરાઇ છે. પરિવારો માટે ફૂડ સ્ટોલ પણ ઊભા કરાયા છે. વાહન પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે બસ સ્ટેશન વિસ્તાર અને લાલબાગ ટેકરી પાછળ પાર્કિંગ વ્યવસ્થા કરાઇ છે. ભાગ લેનારા ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવ્યો છે.
