માઁ અંબા, જગદંબા, શક્તિ,ભવાનીની આરાધના અને ઉપાસનાના પર્વ આસો નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગોધરાના મોતીબાગ ખાતે આયોજીત રમઝટ ગરબા મહોત્સવમાં આ વર્ષે 51 શક્તિપીઠના દર્શનનું નિદર્શન કરાયું છે. નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ગોધરાના અમદાવાદ હાઈવે સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે રમઝટ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં આ વર્ષે 51 શક્તિપીઠની ઝાંખી ઊભી કરાઈ છે. અહીં ગરબા રમવા આવતાં ખેલૈયાઓ અને જોવા આવનાર ગરબા રસિકોને એક જ સ્થળે માતાજીના 51 શક્તિપીઠના દર્શન થાય છે. જે માટે ગરબા મેદાનની ફરતે 51 પંડાલ ઊભા કરાયા છે, સાથે 350 ફૂટનો આકર્ષક પ્રવેશદ્વાર અને તેમાં માતાજીની ગરબીઓ તેમજ ડાન્સિંગ લાઇટ પણ આકર્ષનનું કેન્દ્ર બની છે.
