ગોધરા શહેરના જાફ્રાબાદ વિસ્તારમાં આવેલી આનંદ નગર સોસાયટીના રહીશો દ્વારા અધિક કલેક્ટરને લેખિત રજૂઆત કરી ગેરકાયદે કાસુડી બાજુથી આવતા પાણીના નિકાલ માટેના કુદરતી કોતરમાં પુરાણ કરી રસ્તો બનાવવાની પ્રવૃત્તિ અટકાવવા માંગ કરવામાં આવી છે.

આનંદ નગરના રહીશોએ કલેક્ટરને ઉદ્દેશી કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગોધરા રેલવે લાઈનને અડીને આવેલા કાસુડી બાજુથી આવતા ચોમાસાના પાણીના કુદરતી નિકાલ માટે વર્ષોથી કોતર આવેલું છે. સર્વે નં. 182 પૈકી 1 ના બિલ્ડર તેમજ બાજુમાં આવેલ સર્વે નં. 119 પૈકી ના માલિક હસમુખભાઈ મગનભાઈ પટેલ અને રાજરેસિડન્સીના બિલ્ડરો દ્વારા ભેગા મળી કુદરતી કોતરનું ગેરકાયદેસર પુરાણ કરી રસ્તો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ, અગાઉ નગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો કોતરનું આ રીતે પુરાણ કરવામાં આવશે તો ચોમાસાનું તમામ પાણી આનંદ નગર સોસાયટીમાં પ્રવેશી જશે, જેનાથી રહીશોના માલ-સામાનને મોટું નુકસાન પહોંચશે અને ભવિષ્યમાં રેલવે ટ્રેક ડૂબી જવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે સક્ષમ અધિકારીઓ દ્વારા મંજૂર કરાયેલા નકશા અને લે-આઉટ પ્લાનનો દુરુપયોગ કરીને ઉપરોક્ત સર્વે નંબર ધરાવતા માલિકો દ્વારા સરકારી જમીન તથા કોતરની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. આનંદ નગર યુવક મંડળ અને સોસાયટીના રહીશોદ્વારા માંગ કરવામાં આવી છે કે રેવન્યુ સર્વે નં. 119 પૈકી 1 ની યોગ્ય માપણી કરાવી વધારાનું ગેરકાયદે દબાણ તાત્કાલિક ખુલ્લું કરાવવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન કરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. જો આગામી 10 દિવસમાં આ દબાણ દૂર કરવામાં નહીં આવે, તો રહીશો દ્વારા કલેક્ટર કચેરીની બહાર મંડપ બાંધીને આ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.