ગોધરા શહેરના જાફ્રાબાદ વિસ્તારમાં હાઈવે ધાબાની પાછળ આવેલા પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ગોધરા LCB પોલીસે ઝડપી પાડયું હતું. જે કન્ટેનરમાંથી રૂા.1 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. સાથે પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા LCB પોલીસના હે.કો. શૈલેશકુમાર તથા પો.કો. યોગેશકુમાર અને અલ્પેશભાઈને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના જાફ્રાબાદ વિસ્તારમાં આવેલા ન્યૂ રામદેવ ચૌધરી હાઈવે ધાબાની પાછળ આવેલા પાર્કિંગમાં એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે. જે બાતમીના આધારે એલસીબી પો.સ.ઈ. એચ.આર. જૈતાવત તથા એચ.બી.ઝાલા તેમજ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ જઈ કન્ટેનરને કોર્ડન કરી કન્ટેનર ચાલકને સ્થળ ઉપરથી પકડી પાડી તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની અને બીયરની કુલ 1562 પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ રૂા.1,00,30,775 નો દારૂ અને બીયરના જંગી જથ્થા સાથે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સીમધરી તાલુકાના હોડુ ધૂરીયાવાસ ગામના ખેમારામ રાઉતારામ બેનીવાલ (જાટ)ને ઝડપી પાડી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન હોડુ ધૂરીયાવાસ ગામના અસલારામ ભોંમારામ ગોરસીયા, દારૂ ભરેલું કન્ટેનર આપનાર ઇસમ, કન્ટેનરનો માલિક અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનારને સહ આરોપીઓ તરીકે દર્શાવી તમામ સામે ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.










