ગોધરા શહેરના ઐતિહાસિક સોનીવાડ વિસ્તારમાં અનંત ચતુર્દશીના પાવન પર્વ નિમિત્તે સોનીવાડ નવયુવક મંડળ દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં ગોધરા શહેરના નગરજનો તથા સોની સમાજની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે બેસવા માટે ભાવિકો વચ્ચે ઉછામણી કરવામાં આવી હતી. ત્યારબાદ શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન સોનીવાડ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો.મોડી સાંજે શાસ્ત્ર્રોક્ત વિધિ મુજબ શ્રીફ્ળ હોમીને નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યજ્ઞ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ધાર્મિક કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોની સહિત સોની સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નવચંડી યજ્ઞને સફ્ળ બનાવવા માટે સોનીવાડ નવયુવક મંડળના કાર્યકરો દ્વારા આયોજનથી લઈનેસમગ્ર વ્યવસ્થા સુધી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
