ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામના રાઠવા ફળિયામાં પ્રથમ વરસાદ દરમિયાન પખવાડિયા પૂર્વે બનાવવામાં આવેલું નાળુ તૂટી જતાં કામગીરી ની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે આ નાળાના સમાંતરે અંદાજીત સાત વર્ષ અગાઉ બનાવવામાં આવેલું નાળા માંથી હજી કાંકરી પણ ખરી નથી. આ ઉપરાંત જોરાપુરા ગામમાં 33 શૌચાલય પણ લાભાર્થીને ત્યાં બન્યા નથી અને નાણાં ઉપડી ગયા છે સાથે જ શોષ ખાડા સહિત અન્ય વિકાસ કામો પણ જોગવાઈ મુજબ નહિં કરી ગેરરીતિ આચારવામાં આવી હોવાનો આક્ષેપ કરતી રજુઆત જીલ્લા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી તપાસ કરવા લેખિતમાં રજુઆત કરી છે.
ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામમાં સ્મશાન જવા ના માર્ગ ઉપર આવેલા નાળા નું ધોવાણ થતાં સ્થાનિકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રાઠવા ફ્ળિયા અને માળ ફ્ળિયાના રહીશોને સ્મશાન જવા માટેના માર્ગ ઉપર ગત માસમાં જ એક નાળુ બનાવવામાં આવ્યું હતું .ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ નાળુ તૂટી જતા સ્થાનિકોએ હલકી ગુણવત્તા વાળું મટીરીયલ ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.વહેલી તકે તૂટેલા નાળા નું સમારકામ કરવામાં આવે તો અંતિમ સંસ્કાર માટે સ્થાનિકો ને તકલીફ્ નો સામનો ના કરવો પડે એવી માંગ ઉઠી છે.આ ઉપરાંત ગામમાં થઈ રહેલા અનેક વિકાસ કામોમાં પણ જોગવાઈ મુજબ કામગીરી નહિ કરવામાં આવતી હોવાની રજુઆત કરાઈ છે.જોરાપુરા ગામમાં 33 જેટલા શૌચાલય પણ લાભાર્થી ને ત્યાં બનાવવામાં આવ્યા વિના જ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.આ સમગ્ર મુદ્દે સ્થાનિકોએ ડીડીઓ, ટીડીઓને યોગ્ય તપાસ માટે રજુઆત કરી છે.જો તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો જરૂર પડયે આંદોલન કરવાની પણ રજુઆત કર્તા ઓએ ચીમકી આપી છે.ઉલ્લેખનીય છેકેસરકારે વિકાસ કામો હેઠળ ગામમાં રહીશો ને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નાણાં ની ફળવણી કરી છે તેમ છતાં શૌચાલય નહિં બનતાં મહિલાઓ સહિત ને ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બને છે.










