ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ ભવનમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ આપતા આ કાર્યક્રમોમાં પોલીસ જવાનો ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન મનોરંજન સાથે શારીરિક તંદુરસ્તી અને ટીમ ભાવનાને પ્રોત્સાહન મળે તે હેતુથી લીંબુ-ચમચી સ્પર્ધા, કોથળા દોડ સહિત અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાના હેતુથી પોલીસ હેડક્વાર્ટરના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપસ્થિતઅધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ વૃક્ષો વાવી પર્યાવરણ જાળવવા અને હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમૂલ્યો, રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને દેશસેવામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓને પણ સરદાર પટેલના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં હેડક્વાર્ટર પી.આઈ. એસ.એમ. નિસરતા, જિલ્લા ટ્રાફ્કિ પી.આઈ. એ.કે. ડાભી સહિત પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.