પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહભેર મોંઘા ખાતર બિયારણ લાવી ખરીફ્ પાકોનું વાવેતર કર્યું હતું. જેમાં હાલ મકાઈ, ડાંગર અને તુવેર સહિત શાકભાજીને પણ નુકશાન થવાના આરે છે. બીજી તરફ્ ચોમાસાની ઋતુમાં ગત વર્ષની સરખામણીમાં પાંચ હજાર હેકટર જમીનમાં વાવેતર ઓછું થયું છે, જેમાં મહત્તમ ક્યારડાની ડાંગરની રોપણી બાકી છે, જેથી ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોવા સાથે વરૂણદેવને આજીજી કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પૂર્વ વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ નહિવત હોવાથી મહત્તમ ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરે છે. દર ચોમાસામાં ખેડૂતો ખરીફ્ પાકોનું વાવેતર કરતાં હોય છે, જેમાંથી પોતાના ઘર ઉપયોગ માટે અનાજ રાખી અન્ય અનાજ વેચી ગુજરાન ચલાવે છે. આ વર્ષે ચોમાસાના પ્રારંભે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોએ હોંશે હોંશે ખેતરોમાં વાવેતર કર્યું હતું, પરંતુ બાદમાં મેઘરાજાએ છેલ્લા સપ્તાહથી વિરામ લેતાં મકાઈ અને ડાંગરનો પાક સુકાઈ જવાના આરે છે. આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ પોતાના પાસે ઉપલબ્ધ સિંચાઈ સુવિધાઓ આધારે ક્યારડામાં પાણીનું સિંચન કરી ડાંગર રોપણી શરૂ કરી છે, પરંતુ કુવાના પાણી તળિયે જતાં હવે ઉભા મોલને જીવતદાન કેવી રીતે આપવું એ મુંઝવણમાં જગતના તાતને સતાવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ડીઝલ મોંઘું થયું છે, પવનના કારણે વીજ પુરવઠો પૂરતો મળતો નથી, જેથી કુવા કે બોરવેલમાં પાણી હોવા છતાં, સિંચનની મોટી સમસ્યા છે. હવે મેઘરાજા વરસે તો જ પાકને જીવતદાન મળે અને બાકીના ખેતરોમાં વાવેતર થઈ શકે એમ છે. ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતો સરકાર પાસે તેમના વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરતાં જણાવે છે કે, જો કેનાલ હોય તો અમે આ સ્થિતિમાં સિંચાઈ વડે પાકને બચાવી શકીએ. જિલ્લાના અન્ય વિસ્તારોમાં જ્યાં કેનાલની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં ખેડૂતોની હાલત કફેડી બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો