મોરવા હડફ તાલુકાના મોરા ખાતે મુખ્ય માર્ગને અડીને કરવામાં આવેલા કાચા પાકા અન અધિકૃત દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રથમ દિવસે મુખ્ય માર્ગથી 15 મીટરનું રેખાંકન કરવા સાથે દબાણ કર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તક અપાઈ હતી.
મોરવા હડફ્ના મોરા બજાર માંથી પસાર થતાં મુખ્ય માર્ગની સાઈડમાં કાચા પાકા અને હંગામી દબાણો કરી દેવામાં આવતાં ટ્રાફ્કિ વ્યવહાર ને અસર પહોંચી રહી છે. અવરજવર કરતાં વાહન ચાલકો અને રાહદારીઓને દબાણોને કારણે ભારે તકલીફ્નો સામનો કરવો પડે છે. આ સર્જીત પરિસ્થિતિ માંથી રાહદારીઓ અને વાહનચાલકોને મુક્તિ મળે એ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રેખા નિયંત્રણ ધારાનો ભંગ કરવા બાબતે સો થી વધુ દબાણ કર્તાઓને નોટિસ આપી મેત્રાલ- મોરા - સુલીયાત- સંજેલી રોડની બાજુમાં થયેલા ગેરકાયદે બાંધકામો દિન - 7માં દૂર કરવા જણાવાયું હતું. ત્યારબાદ માર્ગ મકાન વિભાગ દ્વારા બુધવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાંત અધિકારી શહેરા, મોરવા હડફ્ મામલતદાર, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ અંગે રેખાંકન કરી દબાણ દૂર કરવા દબાણ કર્તાઓને સૂચન કરાયું હતું. દરમિયાન દબાણ કર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની તક પ્રથમ દિવસે અપાઈ હતી, જેથી દબાણ કર્તાઓએ દબાણ દૂર કરવાની શરૂઆત કરી છે. જોકે માર્ગને અડીને વૃક્ષની ડાળીઓ સહિત તંત્ર દ્વારા જેસીબી મશીન વડે દૂર કરાયું હતું.
