મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો. જેના અનુસંધાને પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામેલા 113 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને અધિક નિવાસી કલેક્ટર જે.જે પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.
નિવાસી કલેક્ટર એ તમામ ઉમેદવારોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સંબોધતાં નિવાસી અધિક કલેક્ટર એ જણાવ્યું કે, તંત્રમાં મહેસૂલી તલાટીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યાં પણ નિમણૂક થાય ત્યાં સંપૂર્ણ નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વક ફ્રજ બજાવવી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યુ કે, ફ્રજ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અનુભવાય તો વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે. તમામ નવનિયુક્ત કર્મયોગીઓને ટીમ વર્કની ભાવના સાથે કાર્ય કરીને પંચમહાલ જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. પંચમહાલ જિલ્લાને કુલ 113 મહેસૂલી તલાટીઓની ફળવણી કરાઈ છે.
