ગુજરાતના સુપ્રસિદ્ધ સંત કવિ, દત્ત સંપ્રદાયના મહાન ઉપાસક અને પત્રકાર તથા પરસ્પર દેવોભવ સંદેશના પ્રેરક શ્રી રંગ અવધૂત મહારાજની 128 મી રંગજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં રંગભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોધરામાં જન્મેલા અને નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વરને પોતાની યોગભૂમિ તથા તપોભૂમિ બનાવનાર અવધૂત દાદાની જન્મભૂમિ ગોધરા ખાતે આવેલ વિઠ્ઠલ મંદિર તેમજ તેમના માતૃના મંદિર ખાતે રંગભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ગોધરા બ્રાહ્મણ પંચની વાડી ખાતે પાદુકા પૂજન, મહાઆરતી, દત્ત બાવની પાઠ, અવધૂતી આનંદ, ભજન-કીર્તન, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રંગભક્તોએ ઉપસ્થિત રહી ગુરુભક્તિ અને ભક્તિના રંગે રંગાઈ રંગજયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.