વિશ્વ આદિવાસી દિવસ નિમિતે રવિવારે ગોધરા શહેરના સાંપા રોડ ભક્તિનગર ખાતે આવેલા વિશાળ મેદાન પર આદિવાસી વિકાસ ફાઉન્ડેશન, ગોધરા દ્વારા આયોજિત કાર્યક્રમની ગોધરા તેમજ આજુબાજુમાં વસતા આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો અને વૃદ્ધો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આદિવાસીઓની રહેણીકરણી, ખાન પાનની આદતો, રિવાજો,પહેરવેશ ઐતિહાસીક વારસો ધરાવે છે.ત્યારે ગોધરામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિતે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ મેડિકલ,આયુર્વેદ,આઇ.એ.એસ, આઇ.પી.એસ તેમજ અન્ય શૈક્ષણિક કારકિર્દી સાથે સમાજનું નામ રોશન કરનાર તેમજ સમાજ પ્રત્યે ઉમદા કામગીરી કરી રહેલા અને કરી ચૂકેલા સમાજ શ્રોષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજના સરપંચો, તાલુકા ડેલીગેટ, જિલ્લા ડેલીગેટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આદિવાસીનાં ઉજ્જવળ ભવિષ્યના બીજ રોપનારા આદિવાસી ગણનાયકો ભગવાન બિરસા મુંડા, પુજનીય શ્રી ગોવિંદ ગુરુ, રાણા પૂંજા ભીલ તેમજ અનેક પ્રતિભાઓને યાદ કર્યા હતા.આદિવાસી સમાજના અગ્રણીઓ પ્રો.કનુભાઈ ચંદાણા, એમ.એમ.પારધી, પ્રો.હરિપ્રસાદ કામોલ,પ્રવીણ ભાઈ પારધી,દેવજીભાઈ ડામોર,નાથુભાઈ તડવી,તુષાર ભાઈ ભગોરા,સુભાષભાઈ નિનામા,કલ્પેશ ડામોર, નારણભાઈ ડિંડોર તથા અનેક આગેવાનો દ્વારા આદિવાસી સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા, દુષણો દૂર કરવા, આધ્યાત્મિક માર્ગો પર જવાની તેમજ સમાજને જાગૃતિ લગતા અનેક તલસ્પર્શી પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા.