રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026- 27 નો શુભારંભ થવા પામ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત તમામ ગામો અને નગરોમાં આજ થી નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થતા જ છેલ્લા 35 દિવસથી ઉનાળા વેકેશન ના કારણે બંધ પડેલી શાળાઓ પુનઃ વિધાર્થીઓના કલરવ થી ગુંજી ઉઠી છે.
ગોધરામાં વિવિધ શાળા પરિવારે વિધાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર આપી પ્રવેશ કરાવ્યો હતો. ગોધરા શહેરની તમામ શાળાઓમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓની અભ્યાસ માટેની હાજરી જોવા મળી હતી. સ્કૂલનો આજે પ્રથમ દિવસ હોવાથી વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા અને પરત લઈ જતા નજરે પડયા હતા. શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થતા જ બાળકોના નોટ, ચોપડા, અન્ય સ્ટેશનરી, સ્કૂલ યુનિફેર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ તેમજ સૌથી મોટી વાલીઓની ચિંતા બાળકોની શાળાકીય ફી, વાન, ઓટો રિક્ષાની મથામણમાં વાલીઓ પોરવાઈ ગયા હતા. શહેરમાં વાલીઓ ધ્વારા એક અઠવાડિયા પહેલાથી જ બાળકોના અભ્યાસ ને લઈ ચિંતિત જોવા મળતા તેઓની અભ્યાસની સામગ્રી ની ખરીદી તેમજ સ્કૂલના યુનિફેર્મ સહિત ની ખરીદી કરતા છેક ગત રોજ પૂર્વ સંધ્યા સુધી શહેરની દુકાનોમાં જોવા મળ્યા હતા.










