અમદાવાદ - ઇન્દોર હાઈવે પર મોરવા હડફ્ તાલુકાના સંતરોડ ગામ નજીક આવેલી પાનમ નદી પરનો બ્રિજ છેલ્લા ચાર વર્ષ ઉપરાંતના સમયથી બંધ હતો. જેનું સમારકામ પૂર્ણ થતાં આજે રાજ્યસભાના સાંસદ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની હાજરીમાં ફ્લેગઓફ આપીને બ્રિજને વાહનોની અવરજવર માટે પુનઃ ખુલ્લો મુકાયો હતો.
અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે માર્ગ પર મોરવા હડફના સંતરોડ નજીકની પાનમ નદી પર બે બ્રિજ આવેલા છે. આ બંને બ્રિજ પૈકી દાહોદ તરફ્ના ટ્રેક પરનો બ્રિજ ખૂબ જ જૂનો હોવાથી અને લોડ બેરિંગ ક્ષતિ કારણોસર ચાર વર્ષ પહેલા વાહનોની અવરજવર બંધ કરી, એક જ લેનના ટ્રાફ્કિ ડાયવર્ટ કરાયો હતો. જેના કારણે છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ પર રોજ ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાતી હતી, તેમજ બ્રિજના છેડે અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું હતું. આ અંગે રાજ્યસભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમારને કરાયેલી લોકરજૂઆત બાદ તેઓએ અંગત રસ દાખવી, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ ટેક્નિકલ જાણકારી મેળવી બ્રિજની મરામત પૂર્ણ કરી વહેલી તકે બ્રિજને લોકો માટે ખુલ્લો કરવા સૂચન કર્યુ હતું, જેની પણ સમય મર્યાદા નક્કી કરાઈ હતી. જે બાદ હાઇવે ઓથોરિટીએ સમય મર્યાદા પૂર્વે કામગીરી પૂર્ણ કરી, બ્રિજનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કર્યું હતું. જે બાદ આજે તા.8 જૂનના રોજ રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ઉપસ્થિત રહી ફ્લેગઓફ્ કરી બ્રિજને પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુક્યો હતો. આ સમયે સ્થાનિક સરપંચ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને ટ્રાફ્કિ જામની સમસ્યામાંથી છુટકારો મળશે. આ માર્ગ પરથી વડોદરા, સુરત સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી ઉજ્જૈન અને ઇન્દોર જતાં વાહનોની સતત અવરજવર રહેતી હોય છે.










