પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ મોરવા (હડફ્) તાલુકાના માતરિયા વેજમા અને નસીરપુર ગામની મુલાકાત લઈ વિવિધ સરકારી સુવિધાઓ અને સેવાઓની સ્થળ પર સમીક્ષા કરી હતી. આ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પોષણ, પીવાનું પાણી, રાશન સહિતની વ્યવસ્થાઓ અંગે સંબંધિત કર્મચારીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરી જરૂરી માહિતી મેળવી હતી. માતરિયા વેજમા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શાળામાં શિક્ષકોની ઉપલબ્ધતા, શૈક્ષણિક વ્યવસ્થા, શૌચાલયની સુવિધા, શિક્ષકોની તાલીમ, મધ્યાહન ભોજનની વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિગતો મેળવી જરૂરી બાબતોની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આશા વર્કર બહેનો સાથે સંવાદ કરી સગર્ભા અને પ્રસૂતા માતાઓને લગતી ANCઅને PNC કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આંગણવાડીઓમાં બાળકોના પોષણની સ્થિતિ અંગે પણ વિગતો મેળવી હતી. કેટલાં બાળકો લાલ શ્રેણી અને કેટલાં બાળકો પીળી શ્રેણીમાં આવે છે તેમજ આવા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવા માટે કરવામાં આવતી સારવાર અને અનુસરણની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, ગામજનોને મળતા રાશન, પીવાના પાણીની ઉપલબ્ધતા અને અન્ય સ્થાનિક સુવિધાઓ અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી. ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી ગ્રામ પંચાયતના દફ્તરની તપાસણી કરી, ગામજનો સાથે સંવાદ કરી તેમની રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા.
