સંવિધાન ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા ગોધરા સ્થિત કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ ઉપસ્થિત રહી સંવિધાન દિવસ નિમિત્તે આયોજિત થનારા કાર્યક્રમો તેમજ ભારતીય બંધારણના મહત્ત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા કક્ષાએ સંવિધાન દિવસની ઉજવણી કાલોલ સ્થિત નીલકંઠ કોલેજ ખાતે કરાશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓ અને અન્ય સ્થળોએ પણ સંવિધાન દિવસને અનુલક્ષીને કાર્યક્રમોનું આયોજન કરાશે. જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ ભારતીય બંધારણને દેશની એકતા, અખંડિતતા, સામાજિક સમરસતા અને લોકશાહી વ્યવસ્થાનો મજબૂત આધાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય બંધારણ તેમજ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ગૌરવ અને સન્માનસાથે ઉજાગર કરવાના પ્રયાસો કરાયા છે. પત્રકાર પરિષદમાં આગામી દિવસોમાં યોજાનારા સંવિધાન દિવસના કાર્યક્રમોની રૂપરેખા અને વિગતો પણ રજૂ કરાઈ હતી.
