ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં 21 દિવસના દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજે ગુરુવાર તા.26 મીથી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પુનઃ પ્રારંભ થયો હતો. વેકેશન બાદ શાળાના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી તેમજ નૂતનવર્ષના યાદગાર દિવસોની વિધાર્થીઓએ એકબીજા સાથે આપ લે કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની કાળજી રાખવા, ઠંડીથી બચવા તથા જરૂરી સાવચેતી રાખવા સૂચનો આપ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરના બાકીના શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને અભ્યાસમાં વધુ મહેનત કરવા પ્રેરણા આપી હતી. અંતમાં તેમણે તમામ વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.વેકેશન બાદ શાળામાં ફરીથી વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળતાં સમગ્ર શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો