ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય મુકામે નવા શૈક્ષણિક સત્રના આયોજન અને ગુણવત્તાસભર શિક્ષણના હેતુસર શાળાઓના આચાર્યોની માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સીઆરસી કો-ઓર્ડિનેટર કૌશિક પટેલ દ્વારા વિવિધ શૈક્ષણિક અને વહીવટી મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


બેઠકમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવું, શાળા છોડનાર બાળકોને પુનઃપ્રવેશ અપાવવો, બેક ટુ સ્કૂલ અભિયાનને અસરકારક બનાવવું, સ્થળાંતરિત (માઈગ્રેશન) બાળકોના શિક્ષણની સાત્યતતા જાળવવી તેમજ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો યોગ્ય લાભ વિદ્યાર્થીઓને મળે તે અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત નિપુણ ભારત મિશન અંતર્ગત લક્ષિત શૈક્ષણિક પરિણામો પ્રાપ્ત કરવા, વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા અને ગણનાકૌશલ્ય વિકસાવવા, શૈક્ષણિક ગુણવત્તા સુધારવા તેમજ સતત મૂલ્યાંકન પર વિશેષ ભાર મૂકાયો હતો. બેઠકમાં CTS, આધાર અપડેશન, UDISE Plus સહિત વિવિધ ઓનલાઈન ડેટાની સમયસર અને ચોકસાઈપૂર્વકની એન્ટ્રી કરવા સૂચના આપી હતી. નવીન એસ.એમ.સી. બોડીની રચના, શાળા વિકાસ યોજનાની તૈયારી, શૈક્ષણિક રેકોર્ડનું યોગ્ય સંચાલન તથા સરકારી માર્ગદર્શિકાના અમલીકરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓમાં હરિયાળી અને પર્યાવરણ જાગૃતિ વધારવા વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન, સ્વચ્છતા અભિયાન, પાણી અને ઊર્જા સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા આહવાન કરાયું હતું. શિક્ષણમાં ડિજિટલ પ્લેટફેર્મ, ઈ-સામગ્રી, ઓનલાઈન શૈક્ષણિક સાધનો અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: