ચોમાસાની ઋતુનું સત્તાવાર વિધિવત આગમન હજી થયું નથી પરંતુ પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ વરસતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. જોકે સતત બદલાતા વાતાવરણ વચ્ચે આ વર્ષે મોંઘવારીનો માર પણ ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. જેમાં ખાતર,બિયારણ અને સાથે ડીઝલનો ભાવ વધતા ખેડાણના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ આ ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થવા સાથે વાવણી કરાયેલા બિયારણમાંથી સારી ઉપજ અને આવક થાય એવી આશા સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. પંચમહાલ જિલ્લાના મહત્તમ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા નહિવત હોવાના કારણે જિલ્લાના મહત્તમ ખેડૂતો ચોમાસા આધારિત ખેતી ઉપર નિર્ભર છે. જેમાં પણ ડાંગર, મકાઈ, કપાસ અને તુવેરની મહત્તમ ખેતી કરવામાં આવે છે. રાજ્યમાં ભલે સત્તાવાર ચોમાસાની ઋતુનું વિધિવત આગમન નથી થયું, પરંતુ પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે. ખેતી લાયક વરસાદ થતાં જીલ્લાના ખેડૂતો ખેતીલક્ષી કામગીરી માં જોતરાયા છે. સિંચાઈ સુવિધા નહિ હોવાથી ખેડૂતો ચોમાસાની ખેતીની આવક ઉપર પૂરતું ધ્યાન આપે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી મોસમના બદલાતા મિજાજ વચ્ચે ખેડૂતોની હાલત કફેડી બની છે. હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ખેડૂતો ખેતરમાં સફાઇ અને છાણીયા ખાતરની વાવણી કરી ખેડ કરવાની કામગીરી માં જોતરાયા છે. મેઘરાજા મન મૂકી વરસતા ખેડુતોમાં આ વર્ષે સારા વરસાદ અને ખેત ઉપજની આશા બંધાઈ છે. ખેડૂતોએ ભગવાન અને મેઘરાજાને પ્રાર્થના કરી સારા ચોમાસાની અપેક્ષા સાથે પોતાની ખેતીલક્ષી કામગીરી શરૂ કરી છે. બીજી તરફ્ ગત વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં ભારે નુકશાન વેઠવું પડયું હતું, જે હજી સરભર થઈ શક્યું નથી. જેથી આ વર્ષે મોંઘવારી વચ્ચે પણ ઉત્સાહ ભેર વાવણીની શરૂઆત કરી છે. જોકે ખેતીના ઉત્પાદન બાદ પણ પોષણક્ષમ ભાવ નહિ મળતાં ખેડૂતોની હાલત ઠેરની ઠેર જ રહેતી હોવાનું ખેડૂતો નિરાશ વદને જણાવતાં ભગવાન અને સરકાર બંનેના આશીર્વાદ ખેડૂત પર રહે એવી અપેક્ષા સાથે ચોમાસાની ખેતીના શ્રીગણેશ કર્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: