ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે રહેણાંક મકાનમાં આગ ભભૂકતાં ઘરવખરી સહિત મકાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે, સદનસીબે જાનહાનિ ટળી હતી.
ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે રહેતાં ગલાભાઈ રાઠવાના મકાનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ફાઇટર સાથેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા તેમજ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. લાંબી જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં મકાનને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. મકાનમાં રહેલી ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે મકાનને પણ ભારે નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી. બીજી તરફ્ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
