ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓએ અડ્ડો જમાવતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત શાળાના વિદ્યાર્થીઓ પશુઓના હુમલો કરવાના ભય વચ્ચે પસાર થઇ ટ્રાફ્કિ જામ સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા છે.

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક આમ તો ગૌ-ધરા તરીકે ઓળખાય છે. પરંતુ હવે દિન પ્રતિદિન ગોધરા શહેરમાં ઠેર ઠેર અને મુખ્ય રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો કથિત ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે શહેરના નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફ્કિ જામ સર્જાય છે અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે. શહેરના હાર્દસમા એવા મુખ્ય માર્ગ બસ સ્ટેન્ડ, ગાંધી પેટ્રોલ પંપ, બામરોલી રોડ, સાંપા રોડ સહિત અન્ય વિસ્તારોમાં મોટા પાયે પશુઓ જોવા મળે છે. આ પશુઓનું ટોળું ક્યારેક રોડની વચ્ચે અડિંગો જમાવતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. વાહન ચાલકો જીવના જોખમે પોતાનો વાહન લઈ પસાર થતા હોય છે. ભૂતકાળમાં કેટલાક અકસ્માતો સર્જાયા છે, જેમાં મોટા પાયે સિનિયર સીટીઝન અને વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઇજાઓ પહોચવાની ઘટનાઓ બની છે.