ગોધરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટમાં હાલ સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. લાખોના ખર્ચે બનેલા આ માર્કેટમાં અગાઉ સુરક્ષા માટે પાંચ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા હતા. પરંતુ અસામાજિક તત્વો દ્વારા વાયરો કાપી નાખવામાં આવતા છેલ્લા લાંબા સમયથી આ સુવિધા બંધ હાલતમાં છે.
સીસીટીવી બંધ હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વોએ અહીં અડિંગો જમાવ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ, મહિલાઓ અને નજીકના મંદિરે જતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશ હરેશ મંજાણી દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરાઈ છે. તેમની રજૂઆત છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી બતાવીને સંતોષ માની રહ્યું છે આ માર્ગ હેડ પોસ્ટ ઓફ્સિ અને સ્વામી નારાયણ મંદિર જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં સતત ટ્રાફ્કિ અને ગંદકીની સમસ્યા પણ રહે છે.બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર અને અરજદારને નગર પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ, આ વિસ્તારને નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ સુશોભિત કરવાની ખાતરી આપી છે. જિલ્લા સ્વાગત હેઠળના આ પ્રશ્ને થયેલ ગંભીર ચર્ચા વિચારણા અહેવાલ મુજબ, નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન માટે ટેન્ડરની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.










