પાકા રસ્તાની માંગ સાથે મહિલાઓએ પંચાયતની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો.

ગોધરા તાલુકાના પઢીયાર ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે અને પંચાયતની કામગીરી સામે રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો.

16મા નાણાંપંચના કામોના ઠરાવો કરવા માટે આજે પઢીયાર ગામે યોજાયેલી ગ્રામસભામાં મહિલાઓએ રસ્તા જેવી પ્રાથમિક સમસ્યા મુદ્દે પંચાયતનો ઉધડો લીધો હતો. મહિલાઓનો મુખ્ય આક્ષેપ કર્યો હતો કે, પંચાયતના દ્વારા ફ્ળિયામાં 100 ટ્રેક્ટર માટી નાખવામાં આવી હોવાનું કહેવાયું હતું, પરંતુ હકીકતમાં ફ્ક્ત થોડા જ ટ્રેક્ટર માટી નાખીને કામ અધવચ્ચે છોડી દેવાયું છે, જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના મગજીના મુવાડા અને કરણના મુવાડા અને વિસ્તારમાં પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નથી. અધૂરા માટીકામના કારણે હાલ ચોમાસામાં સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડ થઈ ગયો છે, લોકો તેમાં રહેવા મજબૂર બન્યા છે. પોતાના વાહનો પણ ઘર સુધી લઈ જઈ શકતા નથી. આકસ્મિક બીમારી કે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ ફ્ળિયામાં પ્રવેશી શકતી નથી. ગ્રામસભા અંગે ગ્ઘણા લોકોને અગાઉથી જાણ નહીં હોવાથી આગેવાનો અને ગ્રામજનો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, તે જ સમયે મહિલાઓએ એકત્ર થઈને રસ્તા અને માટી નાખવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓના વિરોધ અને નિયમ મુજબ જરૂરી 10 ટકા મતદારોની હાજરી ન હોવાના કારણે અંતે આગેવાનોએ ગ્રામસભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે ગ્રામસભા આગામી તા.31 જુલાઈએ યોજાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો