પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ, પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો. અને પંચમહાલ જિલ્લા રાજપૂત મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે રાજપૂત વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની 486 મી જન્મ જયંતી ઉજવાઈ હતી. આ પ્રસંગે વિશાળ પદયાત્રા -રેલી યોજાઈ હતી.
પદયાત્રાનું પ્રસ્થાન સાયન્સ કોલેજ ગોધરા ખાતેથી કરાયું હતું, ન્યૂઇરા હાઈસ્કૂલ ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને રાજપૂત આગેવાનો અને યુવાનોએ હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પી હતી. રેલીમાં બેન્ડ સાથે મહારાણા પ્રતાપસિંહજીની છબી સાથેનો શણગારેલ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પદયાત્રા પ્રભાકુંજ સોસાયટી થઈ બી.વી.ગાંધી પેટ્રોલ પંપ સામે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા પાસે પહોંચી હતી. જ્યાં રાજપૂત સમાજ ના આગેવાનો અને યુવાનો તથા મહિલાઓ દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે રાજપૂત અગ્રણીઓ મહારાજા દેવગઢબારિયા તુષારસિંહ બાબા, માલવદીપસિંહ રાઉલજી -ચેરમેન, APMC ગોધરા, રાજપૂત સમાજના હોદ્દેદારો સજ્જનસિંહ સોલંકી, ખુશાલસિંહ વીરપુરા, પી.ડી.સોલંકી તેમજ આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.










