ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે, બુધવારે રાત્રિના મેઘરાજાની પધરામણી બાદ ગઈકાલે ગુરુવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો, જે બીજા દિવસે શુક્રવારે વહેલી સવાર સુધીમાં ગોધરા પંથકમાં કુલ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે નગરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. નગર પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન ઘૂંટણ સમા પાણીમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે બુલડોઝર સાથે જોવા મળ્યા હતાં.


ઉનાળાની કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. ગોધરા શહેર તેમજ તાલુકામાં અને જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. ગોધરા શહેરમાં ગુરુવારની મધ્ય રાત્રીથી આજે દિવસ દરમિયાન કુલ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. અત્ર,તત્ર, સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગોધરા શહેરના અનેક જાહેર માર્ગો, સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જો કે બાદમાં ઓસરી ગયા હતા. પરંતુ ગોધરા શહેરમાં કોઈક જગ્યાએ પાલિકાની અને જિલ્લા વહીવટી તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સુનિશ્ચિત દેખાઈ આવી હતી તો કોઈક જગ્યાએ તેનો છેદ પણ ઉડયો હતો. નગર પાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને કારોબારી ચેરમેન આનંદભાઈ ઘડિયાળી બુલડોઝર સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરતા જોવા મળ્યા હતા. શહેરમાં શહેરા ભાગોળ, શાકભાજી માર્કેટ, રેલવે અંડર પાસ, મેસરી નદી અને તેનું કોઝ વે, સાયન્સ કોલેજ રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભાકુંજ સોસાયટી, સ્મશાન રોડ, ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓ, FCI ગોડાઉન પાસે લુણાવાડા રોડ, દશામાં મંદિર તરફ્ જવાના માર્ગ,જિલ્લા પંચાયત વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરા ભાગોળ ખાતે આવેલા રેલવેનો અંડર પાસ પાણીમાં ગરકાવ થઈ જતાં કામગીરી સ્થગિત થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: