પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તસ્કરો હવે નવી તરકીબો અજમાવી રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા બગીચા રોડ પર આવેલી એક કપડાની દુકાનમાં ચાર મહિલાઓએ ગ્રાહક બનીને પ્રવેશ કર્યો અને વેપારીની નજર ચૂકવી હજારો રૂપિયાના ડ્રેસની ચોરી કરી રફુચક્કર થઈ ગઈ હતી. ચાર અજાણી મહિલાઓ ડ્રેસ ખરીદવાના બહાને દુકાનમાં આવી હતી. તેમણે દુકાનદાર પાસે અલગ-અલગ વેરાયટીઓ જોયા બાદ કેટલાક ડ્રેસ પસંદ કર્યા હતા.

બગીચા રોડ પરની દુકાનમાં ચોરીની ઘટના

ત્યારબાદ, એક પછી એક મહિલાઓ ચેન્જિંગ રૂમમાં ટ્રાયલ આપવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન તેમણે અત્યંત ચાલાકી પૂર્વક 22 જેટલા ડ્રેસ (જેની અંદાજિત કિંમત રૂ.16,500 છે) પોતાના કપડામાં છુપાવી દીધા હતા અને કોઈ પણ ખરીદી કર્યા વગર દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. મહિલાઓ ગયા બાદ દુકાન માલિકે જ્યારે સાંજ કૌંસમાં સ્ટોક ચેક કર્યો, ત્યારે માલ ઓછો જણાતા તેમને શંકા ગઈ હતી. દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા મહિલાઓની આખી કરતૂત સામે આવી હતી.

ચેન્જિંગ રુમમાં જઇ 22 ડ્રેસની ચોરી કરી ફરાર

ફૂટેજમાં મહિલાઓ ડ્રેસ ચોરી કરતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દુકાન માલિકે આ અંગે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ મહિલા ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે થયેલી આ ચોરીની ઘટનાને પગલે બગીચા રોડના અન્ય કાપડના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો