હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આજ રાતથી શનિવાર સવાર સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રને હાઈ એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવ્યું છે.

બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓની વિગતો જણાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંબંધિત વિભાગોની ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પંચમહાલ જિલ્લામાં SDRFની બે અને NDRFની એક ટીમ હાલ ફ્લ્ડિમાં તૈનાત કરાઈ છે. નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ લોકોને અગાઉથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરીમાં કોઈ મુશ્કેલી ના પડે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચોવીસ કલાક વર્ગ-એક અને વર્ગ-બે ના અધિકારીઓની નીમણૂક કરાઈ છે. આ ઉપરાંત તમામ તાલુકાઓમાં વર્ગ-એક ના અધિકારીઓ હાજર રહી સ્થાનિક પરિસ્થિતિ પર સતત નજર રાખશે. પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ સહિતના તમામ સરકારી તંત્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગોધરામાં શહેરી વિસ્તારમાં પણ NDRF અને ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરાઈ હતી.

તદ્ઉપરાંત શહેરા તાલુકામાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા વણકબોરી ડેમ અને તેનાથી અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોનું વિસ્તૃત સર્વેક્ષણ કરાયું હતું, જેમાં નાથુજીના મુવાડા, વાડી, વલ્લભપુર, સાદરા, ખરોલી, બિલીથા, ભીમથળ, બોરડી, વાહકા અને પોયડા જેવા ગામોનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો