પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા TET મામલે 29.5.2026 ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સેવામાં રહેલા શિક્ષકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. માટે આ મામલે ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ સાથે આજે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું, તેમજ ભારે સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર ને પોતાની રજૂઆત સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.


પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં તા.29.5.2026 ના રોજ સેવામાં ચાલુ રહેલા અને બઢતી માટે શિક્ષક પાત્રતા કસોટી TET ની ફરજિયાત લાયકાત મેળવવા તા.31.8.2028 સુધીની મુદત આપવામાં આવેલ છે. જેનાથી સેવામાં રહેલા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ વ્યાપેલો છે. આ ચુકાદાએ હજારો અનુભવી શિક્ષકોમાં ચિંતા પેદા કરી છે. જેઓ દાયકાઓ પહેલા તે સમયે પ્રવક્તા ભરતી નિયમો હેઠળ સેવામાં જોડાયા હતા. ઘણા શિક્ષકોએ પોતાનું સમગ્ર વ્યવસાયિક જીવન જાહેર શિક્ષણને સમર્પિત કર્યું છે. તેમજ દૂરના વિસ્તારોમાં સેવાઓ આપી છે. TETની આવશ્યકતા એવા શિક્ષકો પર લાગુ કરાઈ રહી છે, જેમની નિમણૂક TETની રજૂઆત અને શિક્ષણ અધિકાર અધિનિયમ 2009ના અમલીકરણ પહેલાં કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સેવા, કારકિર્દી પ્રગતિ અને નિવૃત્તિના લાભો ગુમાવવાની શક્યતાઓએ શિક્ષકો અને તેમના પરિવારોમાં ભય અને અનિશ્ચિતતા પેદા કરી છે. ત્યારે શિક્ષક સંઘ દ્વારા કેન્દ્ર સરકારને આ મામલે શિક્ષક સંગઠનો, રાજ્ય સરકાર અને શૈક્ષણિક નિષ્ણાતો સાથે પરામર્શ કરી શિક્ષકોની સેવાના રક્ષણ માટે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ યોગ્ય કાયદાકીય અથવા નીતિગત પગલાની વિચારે, અને વર્ષોથી સેવા આપનાર શિક્ષકો માટે યોગ્ય છૂટછાટ, મુક્તિ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિઓનો વિચાર કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: