ગોધરા સબ જેલ ખાતે ફરજ બજાવતા જેલ સિપાહી પર કેદીઓ દ્વારા અસભ્ય વર્તન, ગાળાગાળી તેમજ ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ કેદીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તા. 22મીએ બપોરે ગોધરા સબ જેલ ખાતે આ બનાવ બન્યો હતો. જેલ સિપાહી અરબાઝખાન ઝાકીર હુસેન પઠાણ પોતાની ફરજ પર હતા ત્યારે કેદી જુનેદ સુલેમાન ભાગલીયા તેમની પાસે સારવાર અંગે રજૂઆત કરવા આવ્યો હતો. સિપાહી અરબાઝખાને તેમની વાત સાંભળીને જણાવ્યું હતું કે, તું આજે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવીને આવ્યો છે. આ વાત સાંભળતા જ જુનેદ સુલેમાન ભાગલીયા ઉશ્કેરાઈ ગયો હતો અને ઊંચા અવાજે વાતચીત કરી બેફમ ગાળો આપવા લાગ્યો હતો.ત્યારબાદ, જુનેદ સુલેમાન ભાગલીયા પોતાના સાથી કેદીઓ ઉમર ફરુક અબ્દુલ ગની બદામ અને ઇમરાન મોહમદ હનીફ્ જર્દાને સાથે લઈને ફરીથી સિપાહી પાસે આવ્યો હતો. તેઓએ ઉશ્કેરાઈને અપશબ્દો તથા ગાળો બોલી, સિપાહીનો ફેટ પકડી ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્રણેય કેદીઓએ એકબીજાની મદદગારી કરી સરકારી કર્મચારીને તેમની કાયદેસરની ફરજ બજાવતા રોકી, રુકાવટ ઊભી કરી ગુનો આચર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો