ગોધરા તાલુકાના નવા નદીસર છાપરી પાસે મહીનદીના પટમાંથી ગેરકાયદેસર સફેદ રેતીનું વહન કરતાં બે ટ્રેક્ટર અને 3 નાવડીને ખાણ ખનિજ વિભાગે જપ્ત કરી હતી.પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ નવા નદીસર છાપરી ગામ નજીકથી પસાર થતી મહીનદીના પટમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રીતે સફેદ રેતીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પંચમહાલ જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે દરોડો પાડયો હતો. આ રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહેલા 2 ટ્રેક્ટર તેમજ નદીના પટમાંથી રેતી નીકાળવા માટે ઉપયોગમાં લેવાતી 3 નાવડીઓ ઝડપાઈ હતી. ખાણ ખનિજ વિભાગની ટીમે 2 ટ્રેક્ટર અને 3 નાવડીઓ સહિત રૂ.15 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી સંબંધિત ઇસમો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ વિભાગની આ કાર્યવાહીથી નદી કિનારે ધમધમતા ગેરકાયદેસર ખનીજ વહન કરનારા ખનિજ માફીયાઓ ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો