ગોધરામાં છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જવાના વિરોધમાં આજે શહેરના ગાયત્રી નગર સિનિયર સિટીઝન ગ્રુપે બાઈક રેલી યોજી વીજ કંપનીના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર આપ્યું છે.


ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો છાસવારે ખોરવાઈ જવા અને લો વોલ્ટેજની સમસ્યા ઉદ્દભવી રહી છે. સામાન્ય પવન કે વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો બંધ થઈ જતો હોય છે. વીજ પુરવઠો હાઈ અને લો વોલ્ટેજ સાથે મળતાં જ વીજ ઉપકરણોને ભારે નુકસાન થઈ રહ્યું છે. વીજ પુરવઠો ખોરવાઈ જવા અંગે રજુઆત માટે ફરીયાદ નંબર પર જાણ કરવા પ્રયત્ન કરતાં નંબર સતત વ્યસ્ત આવતો હોય છે અને અધિકારીઓ ફોન રિસીવ કરતાં નથી. પ્રિ મોન્સૂન કામગીરી માટે વીજ કાપ મુકાય છે, પરંતુ પ્રિ મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થતી નથી. આ તમામ સમસ્યાઓના મુદ્દાને આવરી લઈ ગોધરા ગાયત્રી નગર સિનિયર સીટીઝન બાંકડા ગ્રૂપ દ્વારા આજે બાઈક રેલી યોજી હતી. આ રેલી બામરોલી રોડથી પ્લે કાર્ડ સાથે નીકળી એમજીવીસીએલ અધિક્ષક ઈજનેરની કચેરીએ પહોંચી હતી.

જે બાદ ઇનચાર્જ અધિક્ષક ઈજનેર સી.પી બારીયાને આવેદનપત્ર આપી મૌખિક રજુઆત પણ કરાઈ હતી. દરમિયાન રજુઆત કર્તા એન.ડી. ઉપાધ્યાય, વિનાયક શુકલ સહિતના અગ્રણીઓએ આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહિં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી જરૂર પડયે કચેરી આગળ આમરણાંત ઉપવાસ અને નાછૂટકે આત્મ વિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: