ઘોઘંબા તાલુકાના સિમલીયા ગામે ગોમા નદીની નજીકના વિસ્તારમા આવેલ સબયાર્ડ ખાતે ખેતીવાડી બજાર ઉત્ત્પન સમિતિ, ઘોઘંબા દ્વારા આજથી સાપ્તાહિક હાટ બજારનો પ્રારંભ થયો છે. આજરોજ હાટ બજાર સ્થળે APMC ઘોઘંબાના ચેરમેન નવલસિંહ બારીયા, માજી તાલુકા પ્રમુખ અને માજી ચેરમેન નટવરસિંહ ચૌહાણ, માજી ચેરમેન ઝવરસિંહ બારીયા, સરપંચ વિરેન્દ્રસિંહ બારીયા, માજી સરપંચ દિલીપસિંહ ઠાકોર, અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહીલ, APMCના સેક્રેટરી મહેન્દ્રભાઈ પટેલ, APMCના ડિરેકટરો, વેપારીઓ અને આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધણીય છે કે રીંછવાણી ગામે હાટ બજાર બંધ થયા પછી સિમલીયા ગામે હાટબજાર શરૂ કરવા માટે અગ્રણી નટવરસિંહ ચૌહાણે તા.19 ફેબ્રુઆરીના રોજ. પંચમહાલ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી હતી. આજે સાપ્તાહિક હાટ બજારનો પ્રારંભ થતા તેઓએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. સિમલીયા ગામે હવે દર બુધવારે હાટ બજાર ભરાશે. નાના મોટા વેપારીઓ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો ગોઠવશે. આસપાસના ગામોના લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હાટ બજારમાંથી સરળતાથી મળી રહેશે. મોટા મોટા શહેરોમાં મોલમાં જેમ ઘણીબધી ચીજ વસ્તુઓ મળી રહે છે તેમ ગ્રામ્ય વિસ્તારોમાં હાટ બજારમાં પણ ઘણી ચીજવસ્તુઓ મળી રહે છે. મોટા શહેરોના મોલ કલ્ચરની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં સાપ્તાહિક રીતે ભરાતા હાટ બજારોનો વેપાર વિનિમય પણ વિશેષ આકર્ષણ ધરાવે છે.
