ગોધરા સ્વામીનારાયણ મંદિર ખાતે આજે પંચમહાલ જિલ્લા કક્ષાના પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં અને રાજ્યસભા સાંસદની હાજરીમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના 2.02 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં DBTના માધ્યમથીPMકિસાન યોજનાના 24મા હપ્તા પેટે રૂા. 40.61 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર ખેડૂતોનો ઉત્સવ નથી, પરંતુ દેશની અન્ન વ્યવસ્થા અને ખેતી પ્રત્યે ઉત્સાહ વધારવાનો અવસર છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક અને સમૃદ્ધિ વધારવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી DBT મારફતે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરાવાયા છે. જ્યારે રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારે ખેડૂતોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો સૌથી મોટો છે. વર્તમાન સમયમાં વધતા જતા ગંભીર રોગો જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર પાછળનું મુખ્ય કારણ રાસાયણિક ખાતરો અને નુકસાનકારક પેસ્ટીસાઇડ્સનો અનિયંત્રિત ઉપયોગ છે, આ હાનિકારક રસાયણો માત્ર જમીનને જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્યને પણ ધીમે ધીમે બરબાદ કરી રહ્યા છે. ત્યારે હાલના સંજોગોમાં પ્રાકૃતિક ખેતી સમયની માંગ હોવાનું જણાવી તેમણે આવતીકાલની પેઢીને સ્વસ્થ અને નિરોગી જીવન આપવા માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે કૃષિ વિષયક યોજનાઓ જેવી કે નવીન ટ્રેક્ટર ખરીદી સહાય, નવીન એસેટ ખરીદી સહાય સહિતના લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ હતી. દરમિયાન બનાસકાંઠાના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉદબોધનને સૌએ રસપૂર્વક સાંભળ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર અજય દહિયા,DDO પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલા ખેડૂતો પણ ઉપસ્થિત રહી હતી.
