ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી પાકા રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત છે. સ્થાનિકો નિયમિતપણે નગરપાલિકાને તમામ વેરા ચૂકવે છે. તેમ છતાં તેમની રસ્તાની રજૂઆતો પર કોઈ કાર્યવાહી થઈ નથી. સોસાયટીના મુખ્ય રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે, જેમાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. ચોમાસામાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બને છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ રસ્તા પરના દબાણો અને ખાડાઓને કારણે નાના-મોટા અકસ્માતોનો ભય પણ સતત રહે છે.રહીશોના મતે, આ વિસ્તારમાં સિદ્ધિવિનાયક સોસાયટી પછી બનેલી નવી સોસાયટીઓમાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે, પરંતુ 15 વર્ષ જૂની આ સોસાયટીના રહેવાસીઓ હજુ પણ કાચા અને તૂટેલા રસ્તા પર ચાલવા મજબૂર છે.આ સમસ્યા અંગે વર્ષ 2010 થી સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. રસ્તા પરના દબાણો દૂર કરવા અને નવો રોડ બનાવવા માટે વારંવાર ધ્યાન દોરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી.લાંબા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલા સોસાયટીના રહીશોની માંગ છે કે સત્વરે રસ્તાનું કામ હાથ ધરવામાં આવે. જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.










