ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે અને નગરજનોને ખેતરેથી સીધા, તાજા ફ્ળ તેમજ શાકભાજી વાજબી દરે પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુ સાથે ગોધરા ખાતે નવનિર્મિત 'સિંદુરી માતા ખેડૂત-ગ્રાહક ફ્ળ અને શાકભાજી બજાર' સંપૂર્ણ સુવિધાઓ સાથે ધમધમતું થયું છે. શહેરા ભાગોળ, એલસી-4 અંડર બ્રિજ પાસે શરૂ થયેલા આ બજારને કારણે ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામીણ પંથકના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂત મિત્રો પોતાના ખેતરની તાજી ઉપજ લઈને અહીં ઉપસ્થિત થાય છે. વચેટીયાઓ મુક્ત આ વ્યવસ્થાને પગલે નાગરિકોને એકદમ વ્યાજબી અને કિફાયતી ભાવે તાજા શાકભાજી અને ફ્ળો સીધા ખેડૂતો પાસેથી ખરીદવાની ઉત્તમ તક મળી રહી છે, જેનો સીધો લાભ ગ્રાહક અને ખેડૂત બંનેને થઈ રહ્યો છે. યાર્ડમાં ખરીદી અર્થે આવતા નાગરિકો તેમજ ખેડૂતો અને વેપારીઓની સલામતીને ધ્યાને રાખી સમગ્ર પરિસરને સીસીટીવી કેમેરાના સઘન સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાયું છે. આ ઉપરાંત વાહનોના વ્યવસ્થિત આવાગમન માટે વિશાળ પાર્કિંગ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા ઊભી કરાઈ છે. નોકરિયાત વર્ગ તેમજ દિવસ દરમિયાન વ્યસ્ત રહેતા પરિવારોની સગવડતા માટે આ માર્કેટમાં ખૂબ જ ટૂંક સમયમાં સાંજ તેમજ રાત્રિ બજારનો પણ પ્રારંભ કરાશે. આ લોકાભિમુખ પહેલ અંગે ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી તથા સમગ્ર કમિટી સભ્યો દ્વારા જણાવાયું છે કે, આ બજાર ખેડૂતોના આર્થિક ઉત્થાન અને નાગરિકોની સુખાકારી માટે કટિબદ્ધ છે. ગોધરા શહેર અને આજુબાજુના તમામ ગ્રામીણ વિસ્તારના નાગરિકો આ સુવિધાનો મહત્તમ લાભ લઈ સ્થાનિક ખેડૂત ભાઈઓને પ્રોત્સાહિત કરે તેવી એપીએમસી ગોધરા વતી અપીલ કરાઈ છે.APMC દ્વારા એક જ સ્થળે શાકભાજી અને ફળનું માર્કેટ શરૂ કરાતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક થશે. જેને કારણે ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના પૂરતાં ભાવ મળશે, જ્યારે ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે તાજા શાકભાજી અને ફળ મળી રહેશે, ઉપરાંત દિવસે નોકરી અને કામ ધંધામાં વ્યસ્ત રહેતાં નાગરિકોની સગવડતાં માટે ટુંક સમયમાં રાત્રિ બજાર પણ શરૂ કરવાની યોજના હોવાનું જાણવા મળેલ છે.
