નવરાત્રી મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ખેલૈયાઓ અને પરિવારજનોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે તૈયારીઓ શરૂ કરી છે. આ અંતર્ગત ગોધરા ખાતે જિલ્લા પોલીસ વડા SPડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ગરબા સ્થળોની સુરક્ષા, ટ્રાફ્કિ વ્યવસ્થા તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.SP ડૉ. હરેશ દુધાતે ગરબા આયોજકોને આયોજન દરમિયાન ખેલૈયાઓ તથા પરિવારજનોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. ખાસ કરીને ગરબા દરમિયાન હાર્ટ એટેક સહિતની અચાનક તબીબી ઘટનાઓને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવા જણાવાયું હતું. ગરબા આયોજકો અને સ્ટાફ્ને CPR અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવે, ગરબા ગ્રાઉન્ડ પરમેડિકલ ટીમ તથા તબીબી સુવિધા ઉપલબ્ધ રાખવા, ખેલૈયાઓના વીમાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજવા સહકાર આપવા અપીલ કરી હતી.