ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે નિવૃત્તિ અગાઉ પોતાની કારકિર્દીના પ્રથમ પોસ્ટિંગ એવા ગોધરાની આકસ્મિક મુલાકાત લઈ તે સમયના સંસ્મરણ વાગોળ્યા હતા. દરમિયાન રેન્જ આઈ.જી સહિત ત્રણ જિલ્લાના પોલીસ વડા સાથે તેઓએ બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા તેમજ જનસુરક્ષા મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.


વિકાસ સહાયે વર્ષ 1991 દરમિયાન અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોલીસ વિભાગમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ તેઓએ પોલીસ વિભાગમાં અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવી હતી, નિવૃત્તિ પૂર્વે તેઓ ગોધરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ગોધરા એસ.પી. કચેરી ખાતે તેમનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માનિત કરાયા હતા. તેઓએ તેમની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી. વર્ષ 1991માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ સંભાળી હતી. જે બાદ પુનઃ એકવાર ગોધરા આવતાં આ મુલાકાત ભાવનાત્મક અને સ્મરણસભર બની હતી. આ દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી આર.વી અસારી, જિલ્લા પોલીસવડા ડો.હરેશભાઇ દુધાત ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક તેમજ પંચમહાલ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમની સાથે મહત્વપૂર્ણ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યની પડકારો તેમજ જનસુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરાઈ હતી. વિકાસ સહાયે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન કારકિર્દીના પ્રારંભિક સ્થળની મુલાકાત લીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: