ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ગોધરા જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યું હતું. ત્યારબાદ ચાંચોપા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા તપન યાજ્ઞિકે પોતાના વક્તવ્યમાં યુવાનોને દેશનું ભવિષ્ય ગણાવી સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમાજને વિભાજિત કરવા માટે જાતિ, પેઢી તેમજ સ્ત્ર્રી-પુરુષ વચ્ચે વિવિધ પ્રકારની ખાઈ ઊભી કરવાના પ્રયાસો થાય છે. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરમાં એવું ઐતિહાસિક કાર્ય કર્યું કે, આજે સમગ્ર દેશ તેમને યાદ કરે છે. કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારી ધવલ સંઘાડાએ ઉપસ્થિત મહાનુભાવો, સંગઠનના હોદ્દેદારો અને યુવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આગામી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે. આ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સમાજ માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો